જૂનાગઢમાં વાડ ચીભડાં ગળે તેવો ઘાટ સર્જાયો । કરોડનો તોડ કરનારી કથિત પોલીસ ટોળકીનો સૂત્રધાર કોણ ? જાણો…
બે PI, એક ASI અને એક અજાણ્યા માણસ સામે જૂનાગઢ પોલીસે દાખલ કર્યો ગુનો!?
દૂરબીન મીડિયા – જૂનાગઢ, તા.૨૬ જાન્યુઆરી
કેટલાંક ભ્રષ્ટ અધિકારી-કર્મચારીઓના કારણે સમગ્ર ગુજરાત પોલીસ દળની છબી ખરડાય છે. આ માટે જો કોઈ જવાબદાર હોય તો તે છે સિનિયર IPS અધિકારીઓ. છેલ્લાં કેટલાંક વર્ષોથી પોલીસ વિભાગમાં ચાલતી મોડસ ઓપરેન્ડી થી સિનિયર IPS અધિકારીઓ સંપૂર્ણ રીતે વાકેફ છે અને તેનો હિસ્સો કેટલાંક લાલચુ IPS અધિકારીઓ પાસે પણ પહોંચે છે. તાજેતરમાં થયેલા 20 કરોડ રૂપિયાના તોડકાંડમાં એક બદનામ પોલીસ ઈન્સ્પેક્ટરનું નામ સામે આવ્યું છે. શું છે સમગ્ર હક્કિત….
બે PI અને એક ASI કેવો ખેલ્યો ખેલ?
ગુજરાત પોલીસમાં અનેક ભ્રષ્ટ અધિકારીઓ વર્ષોથી રીતસરની લૂંટનો પરવાનો ધરાવતા હોય તેમ વર્તી રહ્યાં છે. તેવા અધિકારીઓની યાદીની શરૂઆતમાં આવતા નામોમાં જો કોઈ નામ આવી શકે તેમ હોય તો તે છે પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટ, ફરજકાળ દરમિયાન અનેક કાંડ કરી ચૂકેલાં પીઆઈ તરલ આર. ભટ્ટ અને તેમની પડખે ચઢેલાં જુનાગઢ સાયબર ક્રાઈમ સેલ ના પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાની એ એક કાંડ રચ્યો. તરલ ભટ્ટએ આપેલી 335થી વધુ જુદાજુદા બેંક એકાઉન્ટની માહિતીના આધારે સાયબર ક્રાઈમ સેલના પીઆઈ એ. એમ. ગોહિલે CRPC 91 અને CRPC 102 હેઠળ નોટિસ કાઢી તમામ બેંક એકાઉન્ટ સ્થગિત કરાવી દીધા હતા. બેંક એકાઉન્ટ ફરી કાર્યરત કરવા માટે પ્રત્યેક બેંક એકાઉન્ટ ધારક પાસેથી 20-20 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ તમામ હક્કિત એક અરજદારની રજૂઆતમાં સામે આવી હતી. જુનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયા એ આ મામલે તપાસ સોંપતા ત્રણેય પોલીસ અધિકારીઓ અને અન્ય સામે જુનાગઢ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.
કેવી રીતે થયો કરોડોના તોડકાંડ નો પર્દાફાશ?
કેરલાના રહેવાસી કાર્તિક ભંડારીને નવેમ્બર-2023માં માલૂમ પડ્યું કે, તેમનું HDFC બેંક સહિતના 30 એકાઉન્ટ ફ્રિઝ કરી દેવાયા છે. બેંકમાંથી મળેલી માહિતી અનુસાર તેમનું એકાઉન્ટ સ્થગિત કરવા માટે જુનાગઢ ના પીઆઈ એ. એમ. ગોહિલે સૂચના આપી હતી. કાર્તિક ભંડારીએ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવવા માટે જૂનાગઢ સાઇબર ક્રાઇમ સેલ નો ફોનથી સંપર્ક કર્યો હતો. વારંવારં સંપર્ક કરનારા કાર્તિક ભંડારીને પોલીસ ડરાવવા લાગી હતી. જેથી તેઓ ખુદ જુનાગઢ દોડી આવ્યા હતા. જૂનાગઢ સાઇબર ક્રાઇમ સેલ ના અધિકારીઓને મળતા તેમને નિવેદન અને દસ્તાવેજોના નામે પરેશાન કરી મુક્યા અને આખરમાં ASI દિપક જગજીવનભાઈ જાનીએ વ્યવહારની વાત કરી હતી. કાર્તિક ભંડારીએ 2-3 લાખ રૂપિયા આપવાની વાત કરતાં PI એ. એમ. ગોહિલ અને ASI દિપક જાનીએ 25 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. આ રકમ આપવા માટે કાર્તિક ભંડારી તૈયાર નહીં હોવાથી તેમણે મિત્રની મદદથી જૂનાગઢ રેન્જ ડીઆઈજી નિલેશ જાજડીયાનો સંપર્ક કર્યો અને સમગ્ર હક્કિત રજૂ કરી દીધી.
સરકારે સીટની રચના કરીને વ્યાપક તાપસ કરવી જોઈએ
સામાન્ય ગુનેગાર સામે કોઈ ફરિયાદ નોંધવાની હોય તો ગુજરાત પોલીસ પહેલાં આરોપીને ઉપાડી લાવે છે અને ત્યારબાદ FIR નોંધે છે. આ ગંભીર કિસ્સામાં જુનાગઢ પોલીસે પહેલાં ફરિયાદ નોંધી અને બાદમાં આરોપીઓ શોધવાનો ખેલ શરૂ કર્યો હોવાની ચર્ચા પોલીસ બેડામાં ઉઠી છે. પીઆઈ તરલ આર. ભટ્ટ, જુનાગઢ સાયબર ક્રાઈમ સેલ ના પીઆઈ એ. એમ. ગોહિલ અને એએસઆઈ દિપક જાનીને લાભ આપવામાં કોને રસ હતો તે પણ ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. અત્રે નોંધનીય છે કે, આ મામલામાં પીઆઈ ગોહિલ અને એએસઆઈ દિપક જાનીને તાજેતરમાં જ ફરજ મોકૂફી હેઠળ ઉતારી દેવાયા છે. પી આઈ તરલ ભટ્ટ અમદાવાદ પીસીબીમાં રહ્યાં ત્યારના કેસો બાબતે જો SIT બનાવીને તટસ્થ તપાસ કરવામાં આવે તો ઘણા કૌભાંડો બહાર આવવાની શક્યતા છે.
આરોપીઓ સામે ફરિયાદ દાખલ થાય તે પહેલા થયા ફરાર
જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જૂનાગઢ SOG અને સાયબર ક્રાઇમના તત્કાલીન પીઆઇ એ.એ. ગોહિલ, પી.આઈ. તરલ ભટ્ટ અને એ.એસ.આઈ દિપક જાની તેમજ એક અજાણી વ્યક્તિ એમ કુલ 4 વિરુદ્ધ FIR ફાઈલ કરવામાં આવી છે. જૂનાગઢમાં બેન્ક એકાઉન્ટ અને કૌભાંડ બાબતમાં સરકારે વિવાદિત પી આઈ તરલ ભટ્ટ અને મંડળી વિરુદ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરવાની તૈયારી શરુ કરી છે. સૂત્રો પ્રમાણે હાલ તરલ ભટ્ટ અને મંડળી ભૂગર્ભમાં ઉતરી જઈને પોતાના આકાઓ સાથે મદદ માટે હાથ લંબાવી રહ્યા છે.