ગુજરાત સરકાર ના રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયેલ યોગ શિબિરમાં ધારાસભ્ય સિવાય ભાજપના તમામ પદાધિકારીઓ અને તમામ સરકારી અધિકારી ગેરહાજર કેમ !?
સરકારી કાર્યક્રમ નો પ્રોટોકોલ હોવા છતાં જૂનાગઢ ભાજપમાં અને અધિકારીઓમાં સંકલનનો અભાવ કે પછી ઉદાસીનતા!?
દૂરબીન મીડિયા ટીમ, જૂનાગઢ તા.
માનવ માત્રને સ્વસ્થ રાખનાર યોગને સૌથી વધુ પ્રાધાન્ય આપનાર ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ યોગ અને વિશ્વ ફલક ઉપર સ્વીકૃત કરાવીને 20 જૂન ને વિશ્વ યોગ દિવસ જાહેર તો કરાવ્યો પરંતુ ભાજપના પદાધિકારીઓ અને સરકારી અધિકારીને યોગ જાણે કે પસંદ ન હોય તેમ યોગના કાર્યક્રમમાં હાજરી નહીં આપીને યોગ પ્રત્યે ની પોતાની ઉદાસીનતા છતી કરી છે.
એક તરફ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાને વૈશ્વિક ચિંતા ગણાવીને તેના નિવારણ માટે યોગ ને પ્રોત્સાહન આપવાના આશયથી પ્રેરિત થઈ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર ગુજરાત ને મેદસ્વિતાથી મુક્ત કરવા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ પ્રોટોકોલ ને નેવે મૂકીને ભાજપના પદાધિકારીઓ અને સરકારી અધિકારી ઓ ગુજરાત સરકાર ના યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરમાં ગેરહાજર રહેતા ચર્ચાનો વિષય બન્યો છે.
તા.9 એપ્રિલ 2025 ને બુધવારના રોજ ગુજરાતની ભાજપ સરકાર ના યોગ બોર્ડ દ્વારા ભવ્ય યોગ શિબિરનું સરકારી આયોજન થયું હતું. યોગ બોર્ડ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જૂનાગઢના ઝાંસીના પૂતળા પાસે આવેલ ચેતનભાઈ ફળદુ ની વાડી માં આશરે પાંચ હજાર કરતા વધુ યોગ સાધકોએ હાજરી આપી હતી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજી ની અધ્યક્ષતામાં આજ રોજ વહેલી સવારે ખુશનુમા વાતાવરણમાં યોગ શિબિર યોજાઈ હતી.જેમાં ફક્ત ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા એ હાજરી આપીને યોગ અભ્યાસ કર્યો હતો, પરંતુ એ સિવાય શહેર ભાજપ નો કે જિલ્લા ભાજપનો એક પણ અધિકારી હાજર રહ્યા ન હતા, એટલું જ નહીં તાજેતરમાં ચૂંટાયેલા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના દંડક માંથી કોઈ જ યોગ શિબિરમાં ફરક્યા પણ નહોતા, એ તો ઠીક ભાજપના બીજા મહાન નેતાઓ કે મનપાના ભૂતપૂર્વ હોદ્દેદારો પણ ડોકાયા નહોતા. એટલે આયોજકો દ્વારા પણ નોંધ લેવામાં આવી છે. આતો થઇ પાર્ટી સ્તરની વાત પરંતુ.
સરકારના પ્રોટોકોલ પ્રમાણે જ્યારે રાજ્ય સરકાર દ્વારા કોઈ મહત્વના કાર્યક્રમ યોજાતા હોય અને સરકના બોર્ડ ના આર્થિક સહયોગ થી પ્રધાન મંત્રી અને મુખ્યમંત્રીના હોર્ડિંગ સાથે યોગ જેવા મહત્વના વિષય કે જેને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જેને સૌથી વધુ પ્રાધાન્ય આપતા હોય તેવા યોગ ના પ્રચાર પસાર માટે મહત્વની અને વિશાલ શિબિર યોજાતી હોય ત્યારે પ્રોટોકોલ પ્રમાણે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, મહાનગર પાલિકા કમિશનર અને બીજા વિભાગના અધિકારીઓએ ફરજિયાત હાજર રહેવું પડતું હોય છે, પરંતુ આ કાર્યક્રમમાં એકપણ અધિકારી એ પણ હાજરી આપી નથી તેની ગંભીર નોંધ લેવાઈ છે. એક તરફ કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકાર યોગને સૌથી વધુ પ્રાધાન્ય આપતા હોય તેવા સમય યોગના સરકારી કાર્યક્રમમાં હાજર ના રહેવું શું સૂચવે છે? તેવો પ્રશ્ન ઉભો થયો છે. યોગના આ કાર્યક્રમમાં સૌથી સક્રિય ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા પહેલેથી છેલ્લે સુધી હાજર રહ્યા હતા બાકી ભાજપના પદાધિકારીઓ કે અધિકારીઓની ગેરહાજરી સૌને ઉડીને આંખે વળગે તેવી હતી.
આ અંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશુપાલજી રાજપૂત અને જિલ્લા કોર્ડીનેટર: ચેતનાબેન ગજેરા સાથે વાત કરતા જણાવ્યું હતું કે યોગ બોર્ડ દ્વારા ભાજપના તમામ પદાધિકારીઓ અને સરકારી અધિકારીઓને અગાઉથી જ આયોજન અંગે નિમંત્રણ પાઠવી ને માહિતગાર કરાયા હતા. તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા એ જણાવ્યું હતું કે મને કોઈ એ આમંત્રણ આપ્યું ન હતું. જ્યારે કલેક્ટર અનીલ રાણાવાસીયા એ જણાવ્યું હતું કે સરકારી કામસર મુસાફરીમાં હોય હાજરી આપી શક્યો નહીં. જ્યારે મેયર ધર્મેશ પોશીયા અને કમિશનર ડૉ. ઓમ પ્રકાશે ફોન રિસીવ નહીં કરતા તેઓ સાથે વાતચીત થઇ શકી નથી.